૫૧૧ - યજ્ઞમંડપની અદભુત શોભા
હવે યજ્ઞકુંડમાં ધૃત ને શ્રીફળ હોમવા તથા વરુણમાં બેઠેલા વેદિયા વિપ્રોને દર્શન દેવા બાપાશ્રી આવતા હતા ત્યાં યજ્ઞમંડપને પડખે પાટ પર પોલીસોએ બેડીઓનો મોટો ઢગલો રાખેલો, તે જોઈને પોતે પૂછ્યું કે, ‘આ શું?’ ત્યારે સાથે ચાલનારા હરિભક્તોએ કહ્યું કે, ‘બાપા! અહીં પ્રથમ તોફાન થાય તેમ જણાતું હતું, તેથી દરબારે પોલીસોને એવો હુકમ કર્યો છે કે, યજ્ઞમંડપમાં કોઈ તોફાન કરવા આવે તેને અટકાવી દેવા; છતાં કોઈ હુકમનો અનાદર કરે તો બેડીઓ પહેરાવી કેદ કરવા.’ આવું સાંભળી બાપાશ્રીએ હસતાં હસતાં કહ્યું કે, ‘બધાય અમથી ચિંતા કરતા હતા જે પાટોત્સવનું કેમ થશે? મહારાજે તો અહીં ભારે લીલા કરી મૂકી છે.’ એમ કહેતા યજ્ઞમંડપમાં આવ્યા, ત્યારે બ્રાહ્મણો અતિ હર્ષભર્યા ઊંચે સ્વરે વેદમંત્રો બોલી ધૃત વગેરે હોમતા ‘સ્વાહા! સ્વાહા!’ના ઉચ્ચાર કરતા હતા. પછી તો બાપાશ્રીને જોઈ વધુ ઉમંગમાં આવી થોડી વાર અષ્ટક તથા શ્લોક બોલ્યા, ત્યાં સંધ્યાઆરતી થવાથી વિપ્રોએ મોટી વાટ્યો થાળીમાં મૂકી આરતી ઉતારી. આવો સૌનો ઉમંગ જોઈ બાપાશ્રી તે સર્વે વિપ્રો પર બહુ પ્રસન્ન થયા. એ રીતે સહુને રાજી કરતા બાપાશ્રી સભામંડપમાં આવી આરતી, ધૂન્ય આદિ નિત્યનિયમ કર્યા પછી સ્વામીશ્રીના આસને ઉતારો આપ્યો હતો ત્યાં પધાર્યા.