૭૯ - સમાધિમાંથી જાગ્રત થઈ પંદરમે દિવસે ઠાકોરજીને જમાડ્યા
આવા મહાસમર્થ સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી મંદિર થતાં સુધી વૃષપુરમાં રહ્યા. તેથી હરિભક્તોને કથાવાર્તાનો રંગ સારો ચડ્યો હોવાથી સવાર-સાંજ મંદિરમાં સારી સભાઓ ભરાવા લાગી. રત્ના ભક્તના પૌત્ર કાનજીભાઈ, જે સારા હરિભક્ત હતા ને ભાઈશ્રીને વિષે ઘણો દિવ્યભાવ રાખતા, તે નિત્ય કથા વાંચતા. કોઈ વાર એ હાજર ન હોય તો ભાઈશ્રી વાંચે ને એકરુચીવાળા હરિભક્ત બેઠા હોય તો વાત પણ કરે. એમ થોડા દિવસ ચાલતું હતું, ત્યાં ભાઈશ્રીને વળી ઘેર સમાધિ થઈ ગઈ. ઘરમાં સૌને દિવ્યભાવ, તેથી તેમને હવે એમ જ થઈ ગયું કે. ‘મહારાજે શું ધાર્યું છે તે કાંઈ ખબર પડતી નથી! આમ વ્યવહાર કેમ ચાલશે? એક તો કાંઈ કામકાજ થાય નહિ ને બીજું કોઈ વાતનો નિરધાર ન થાય કે આમ ક્યારે થશે? કેટલાક દિવસે ઊઠશે? એમની પાસે ને પાસે કોણ રહે? ત્યારે એકલા પણ કેમ મુકાય?’ આવા અનેક વિચારો થયા કરે ને ભાઈશ્રી તો સુખે મૂર્તિના સુખમાં થીજી ગયા હોય! આમ એકબે દિવસ ગણતાં સાત દિવસ થઈ ગયા, પણ ન ડગે કે ન ડોલે. ઘરમાં સૌ થાક્યા, પછી સામત્રાના મૂળજી ભક્ત (જે પાછળથી જગજીવનદાસજી નામના સાધુ થયા હતા તે,) ભાઈશ્રીના સગા થતા, તેમણે જોરે જગાડવા માંડ્યા, પણ જાગ્યા નહિ, તેથી બહુ વાર ધૂન્ય કરી એટલે જાગ્યા ને કહ્યું જે, ‘આવી રીતે મને કોઈ વાર ન જગાડશો.’ એમ કહેતાં જ પાછા સમાધિમાં જતા રહ્યા. હવે શું કરવું? કાંઈ કામ સૂજે નહિ, ઘરના વાડીએ જાય તોય જીવ અહીં ને અહીં! પુત્રપુત્રીઓને જમવા વખતે એમ થાય જે, ‘અમારા બાપ ભૂખ્યા ને અમારે ખાવું?’ વળી એમ વિચાર કરે જે, ‘એ તો અમૃતના આહાર કરે છે ને સુખના સમુદ્રમાં ચાલ્યા જાય છે. દુઃખ તો આપણને છે.’ આવા વિચારો કરી મન વાળે અને વાટ જુએ કે હવે ક્યારે જાગશે? એમ કરતા બીજા સાત દિવસ થયા, ત્યારે પોતાની મેળાએ જાગ્રત થયા ને સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી પોતાના પુત્ર કાનજીભાઈ સાથે મંદિરમાં આવ્યા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી તુરત કૂવે નાહવા ગયા. એ વખતે હરિભક્તોએ ઊનું પાણી તૈયાર કરી ઘણો આગ્રહ કર્યો, ત્યારે પોતે ઊના પાણીથી નાહી મંદિરમાં આવી પૂજા કરવા બેઠા, તે ધ્યાનમાં ઘણી વાર બેસી જ રહ્યા. હરિભક્તોને એમ થયું જે, આ તો બહુ જબરા મુક્ત છે. થોડી વારે સમાધિમાંથી જાગ્યાની ખબર ગામમાં પડવાથી માણસો જોવા ઊલટ્યા. ભાઈશ્રી તો મોડેથી જાગ્યા ત્યારે પૂજાનાં દર્શન કરી ઘેર ગયા. આ વખતે પોતે પંદરમે દિવસે ઠાકોરજીને જમાડ્યા. પછી ચારપાંચ દિવસ સુધી તો ફક્ત ઘેર બે વખત ઠાકોરજીને જમાડીને મંદિરમાં આવી બેસી જ રહેતા, તે છઠ્ઠે દિવસે વાડીએ ગયા. એ જોઈ પુત્ર, પુત્રીઓ આદિ સર્વે રાજી થયાં. પણ સૌને અણવિશ્વાસ થઈ ગયો કે અમારા બાપ માનસીપૂજા કે ધ્યાન કરતા ઊઠે ત્યારે જાણીએ કે ઊઠ્યા.