૪૧૬ - અષાઢી અમાસનો છત્રીએ યજ્ઞ
પછી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તથા ગામના મોટા મોટા હરિભક્તોને બોલાવીને પોતે એમ કહ્યું જે, ‘સંત-હરિભક્તો ઘણા આવ્યા છે ને મહારાજની લીલાનો ગ્રંથ વંચાય છે, તેથી અમાસને દિવસ અહીં સમાપ્તિ કરી સૌને જમાડીએ એમ મારો વિચાર થાય છે. તમે સૌ સેવાની હિંમત કરો તો થાય. માંડવી વગેરે ઠેકાણેથી સામાન લાવવો જોશે. ગામડેથી ખપે તે ત્યાંથી મગાવો ને ગામોગામ કંકોત્રીઓ લખો, પણ છત્રીએ અષાઢી અમાસનો યજ્ઞ થાય તેમ કરો. એ દિવસે ગામપરગામના હરિભક્તો તથા સંતો સહુ આવીને અહીં જમે. વળી મારો વિચાર એમ થાય છે કે, હવેથી રોજ કથા અહીં કરીએ કેમ કે અહીં વાયરો ઠીક આવે છે.’ આ વાત સહુને ગમી. પછી બાપાશ્રી કહે, ‘તમે મંદિરમાં જાઓ ને ઠાકોરજીના થાળ કરી હરિભક્તોમાં જેને ફળાહાર કરવો હોય તેને કરાવો, અમે પાછળથી આવશું.’
આ રીતે વાત થયા પછી સંતો મંદિરમાં આવ્યા ને હરિભક્તોએ તો છત્રીએ યજ્ઞ કરવાના સામાનની ગોઠવણ કરવા માંડી. થાળ તૈયાર થયા પછી જેને જેને ફળાહાર કરવાના હતા તેમણે ફળાહાર કર્યા ને સંતો તો બાપાશ્રી આવ્યાની વાટ જોતા હતા, પણ છત્રીએ વાયરો ઠીક આવતો હોવાથી બાપાશ્રી ત્યાં રોકાણા છે એવા ખબર આવતાં, બ્રહ્મચારી નિર્ગુણાનંદજી મંદિરમાંથી ફળાહાર તૈયાર કરી બાપાશ્રીને જમાડવા ત્યાં ગયા ને બહુ પ્રાર્થના કરી, ત્યારે પ્રથમતો પોતે ઘણી તાણ કરાવી, પણ પછી બ્રહ્મચારીનાં હેતભરેલાં વચનોથી રાજી થઈ થોડું જમ્યા ને ચાર વાગ્યા પછી મંદિરમાં આવી તુરત જ કથા ચાલતી કરાવી. પછી તો રોજ એવી રીતે પોતે છત્રીએ પધારે, ત્યાં કથા થાય ને સાંજે પાછા મંદિરમાં આવે.
હવે અષાઢી અમાસનો સમૈયો છત્રીએ કરવાનું નક્કી થયેલ હોવાથી બાપાશ્રીની મરજી પ્રમાણે કંકોત્રીઓ લખાઈ ગઈ, તેમ સંત-હરિભક્તો પાસે કેટલોક સામાન પણ તૈયાર કરાવ્યો. ‘આ સાત્ત્વિક યજ્ઞમાં સૌ કોઈ વગર બોલ્યા ને હોંશભર્યા સેવા કરતા ને રાજી થતા. કોઈને કાંઈ કહેવાની કે ભલામણ કરવાની તો જરૂર જ ન પડે.’ એમ કરતાં ચૌદશનો દિવસ આવ્યો ત્યારે બાપાશ્રીએ સૌને એમ કહ્યું જે, ’આજ સામાન બધો છત્રીએ લઈ ચાલો, ને ત્યાં જ થાળ કરી સહુ ઠાકોરજીને જમાડજો. આજ ચાલતું થઈ જાય તો કાલે કોઈને તાણ ન પડે; કેમ કે આ સ્થાન જંગલમાં ગણાય, તેથી જે જે સામાનની જરૂર લાગે તે કાલે લઈ લેવાની ખબર પડે.’ બાપાશ્રીની આ વાત સૌને ઠીક લગતા મોદ્યું, વાસણ, સીધાં-સામાન વગેરે ગાડામાં ભરાવી હરિભક્તો છત્રીએ પહોંચાડવા મંડ્યા અને સંતો આગળથી ગયા ને બાપાશ્રી તો હંમેશની પેઠે પાછળથી આવ્યા.
આજે હરિભક્તોને છત્રીએ જમવાનું હોવાથી ઉમંગભર્યા સહુ સેવા કરવા લાગ્યા ને બીજી તરફ અગાસીમાં કથાયજ્ઞ ચાલતો થયો. જ્યારે દસ વાગ્યા ત્યારે સમાપ્તિ થઈ. પછી થોડી વારે રસોઈ પણ તૈયાર થઈ રહી, એટલે સંતોએ શ્રીહરિકૃષ્ણ મહારાજને પધરાવી હેતે સહિત થાળ જમાડ્યા. એ વખતે બ્રહ્મચારીએ પણ જુદો થાળ કરેલ તેમાંથી ઠાકોરજીને જમાડી બાપાશ્રીને તાણ કરી થોડું જમાડ્યું, તેથી સૌને આનંદનો પાર રહ્યો નહિ.
પછી હરિભક્તોને જમવાની પંક્તિઓ થઈ, તેમાં પીરસવાની તાણ ન પડે, તેમ સહુ ઉમંગભર્યા સેવા કરતા હોવાથી થોડી વારમાં તો શીરો, શાક, અથાણાં વગેરે પીરસાઈ રહ્યાં, પછી ‘જય’ બોલાણી, તે ટાણે બાપાશ્રી હરિભક્તો પાસે પોતાનો ખાટલો ઉપડાવી પંક્તિમાં સૌને દર્શન દેવા તથા ‘જય સ્વામિનારાયણ’ કરવા આવ્યા, તેથી હરિભક્તો સહુ જમતા જમતા પગે લાગી રાજી થયા. સંતોને જમવાનું તો મંદિરમાં જ હતું, તેથી તે સહુ ત્યાં ગયા. થોડી વારે હરિભક્તોએ જમી લીધું; ત્યારે બાપાશ્રીએ તેમને પણ મંદિરમાં જવાનું કહ્યું અને પોતે તો વાયરો ઠીક આવતો હોવાથી ઘણી વાર ત્યાં જ સૂતા. પછી જાગ્યા ત્યારે ખાટલો ઉપડાવી મંદિરમાં આવ્યા. એ વખતે પાછી કથાવાર્તા ચાલતી થઈ.
બીજે દિવસ અષાઢી અમાસનો સમૈયો હોવાથી ચૌદશના દિવસે જ બપોર પછી ગામોગામના હરિભક્તો આવતાં મંદિર ઊભરાવા માંડ્યું. ભૂજથી સંતો તથા ધનજીભાઈ, ભોગીલાલભાઈ, વાલજીભાઈ, ઘેલાભાઈ, ન્હાનાલાલભાઈ વગેરે મોટા મોટા હરિભક્તો તથા બીજા બ્રાહ્મણ, વાણિયા, સોની, લુવાણા, સુતાર આદિ જુદી જુદી જ્ઞાતિના હેતવાળા હરિભક્તો પણ ઘણા આવી પહોંચ્યા. તે સૌ બાપાશ્રીને શરીરે ઠીક થતું આવે છે એમ જાણી રાજી થયા. કોઈ દંડવત્ કરી હાર પહેરાવે તો કોઈ પ્રાર્થના કરે. બાપાશ્રી તેમના સુખસમાચાર પૂછે, માથે હાથ મૂકે. સંધ્યાઆરતી સમયે તો મંદિરમાં ક્યાંય જગ્યા ન મળે એટલી ભીડ થઈ ગઈ. પછી થોડીવારે મોટી સભા ભરાણી ત્યારે બાપાશ્રીની આજ્ઞાથી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ મહારાજના અલૌકિક મહિમાની તથા ચરિત્રપ્રતાપની ઘણી વાર વાતો કરી, તેથી સભામાં સૌને આનંદ આનંદ થઈ ગયો.
આ વખતે ગામપરગામના સેવા કરનારા હરિભક્તો તો છત્રીએ જઈને સીધું-સામાન, લાકડાં, છાણાં, મોદ્યું, વાસણ વગેરે સામગ્રી તૈયાર કરતા હતા, ત્યારે કેટલાક હરિભક્તો ગામડેથી હજારી ફૂલની ફાંટો લાવેલા તે ભેળા મળી હાર પરોવી રાખતા, કોઈ ચંદન ઘસી તૈયાર કરતા, તો કોઈ વળિયું ખોડી છાંયો કરવાની સેવા કરતા હતા. એવી જ રીતે સંતોએ પણ કેટલીક સામગ્રી આગલે દિવસ તૈયાર કરી રાખી હતી, એટલે એમને પણ કોઈ વાતની તાણ પડે તેમ નહોતું.
આ રીતે આખી રાત સેવા કરનારા હરિભક્તો તથા મંદિરમાં રહેલા સંત-હરિભક્તો સહુ ચાર વાગ્યા ત્યાં તો નાહીધોઈ પૂજા કરવા લાગ્યા. થોડી વારે આરતી થઈ ત્યાં તો બાપાશ્રી પણ નિત્યવિધિ કરી તૈયાર થઈ ગયા. એ વખતે વળી ગામડાના હરિભક્તોએ છત્રી પર જઈ ઠાકોરજી તથા કથા વાંચનારા પુરાણી માટે કેળોના સ્થંભ રોપી મંડપ તૈયાર કર્યો. સમય થયો ત્યારે બાપાશ્રીએ સંતોને વહેલા છત્રીએ મોકલ્યા ને પોતે હરિભક્તોએ સહિત માંચીમાં બેસી પાછળથી આવ્યા. ઘણા સંત-હરિભક્તોને આજે જમાડવાના હોવાથી એક પડખે શીરો, સુખડી, શાક વગેરે તૈયાર કરવાનું કામ ચાલતું હતું. એક તો છત્રીનો વિશાળ ભાગ ને હોંશભર્યા હરિભક્તો જોઈતી સામગ્રી તૈયાર કરતા આવે, તેથી ઉતાવળથી પકવાન તૈયાર થતાં હતાં. એવી જ રીતે પારાયણમાં આજે થોડા અધ્યાય વાંચવાના બાકી હોવાથી બાપાશ્રી પધાર્યા એટલે કથા ચાલતી થઈ. આ ગ્રંથમાં એક પછી એક મહારાજનાં દિવ્ય ચરિત્રો આવતાં સહુ હર્ષભર્યા સાંભળતા હતા ને કેટલાક તો બાપાશ્રીની આ મંદવાડની લીલામાં યજ્ઞ પરિયાણ જોઈ પરસ્પર મહિમાની વાતો કરતા આશ્ચર્ય પામતા હતા.