૭ - ગૃહસ્થાશ્રમમાં ઉદાસીનતા
આ પ્રકારે લગ્નવિધિ પૂરો થયો, પણ મુક્તરાજ તો મૂર્તિમાં જ તલ્લીન રહ્યા હતા. જાનૈયાઓએ માર્ગમાં લગ્ન સંબંધી વાત પૂછી, તેના ઉત્તરમાં મહારાજની મૂર્તિ સંબંધી વાતો કરીને કહ્યું જે, ‘તમને મહારાજ વિના બીજું કેમ દેખાય છે? મને તો એ મૂર્તિ સિવાય બીજું કાંઈ નજરમાં જ આવતું નથી.’ આવાં વચનથી તેમની સ્થિતિનું માહાત્મ્ય વધતું ને વધતું જ રહ્યું.
આ રીતે અખંડ દિવ્યભાવમાં રહેતા મુક્તરાજ એ ગામમાં બે દિવસ રહ્યા હતા. ત્યાં પણ નિયમપૂર્વક ઠાકોરજીનાં દર્શન કરવા જતા. જાન જ્યારે વૃષપુર પહોંચી ત્યારે પણ લગ્નને શોભતાં ઢોલ આદિ વાજિંત્રો વાગ્યા. ગામમાં સૌને દર્શન દેતા જાનૈયા, તથા પુરવાસી સાથે જ્યારે મુક્તરાજ ઘેર પહોંચ્યા ત્યારે દેવબાઈ પોતાના પુત્ર આ વરરાજાને ઘરને આંગણે વધાવી, હેતભર્યા મીઠડાં લઈ અત્યંત આનંદ પામ્યાં.
આ મુક્તરાજ શ્રીફળ લઈ તરત જ મંદિર ગયા, અને ઠાકોરજીને ભેટ ધરી દંડવત્ કરી પગે લાગ્યા, પછી થોડી વાર ધ્યાનમાં બેસી રહ્યા. જાગ્રત થયા ત્યારે મહાપ્રભુજીની પ્રાર્થના કરી ઘેર આવ્યા.
આવી રીતે માતાપિતાના સંતોષને અર્થે પોતે ગૃહસ્થાશ્રમ કર્યો, પણ પોતાને વ્યવહારમાં મુદ્દલ રુચિ નહોતી, એમ તેમની ક્રિયા ઉપરથી સૌ કોઈને જણાતું. પોતે તો સદાય એક જ સ્થિતિમાં રહેતા, કેમ કે સ્વતંત્ર મુક્ત હતા; પણ આ લોકની રીતિ પ્રમાણે વર્તી સૌને આનંદ ઉપજાવતા, અને દેવબાઈને રાજી કરતા વ્યવહારમાં પણ બરાબર રહેવા લાગ્યા.
લગ્ન થયા પછી આ અનાદિ મુક્તરાજ ઘરનું તથા વાડીનું પોતાથી બની શકતું દરેક કામકાજ કરવા લાગ્યા. પોતાની પ્રકૃતિ ગરીબ જેવી, જેથી કોઈ સાથે વાદવિવાદ કે વાંધો તો પડતો જ નહિ. સહુ તેમને જોઈ જોઈને રાજી થતા. ઘેર દેવુબાઈ આવ્યાં તે પણ તેમના જેવાં જ શાંત હતાં. વ્યાવહારિક બુદ્ધિ થોડી જણાતી, તેમ સત્સંગ પણ સાધારણ જેવો, તોપણ જેને આવા અનાદિ મુક્તરાજ સાથે હથેવાળો થયો તેને શું બાકી રહે? આવા મહામુક્તના દર્શનમાત્રે અનંત જન્મના તાપ-સંતાપ નાશ પામી જાય, તો જે એમના જ થઈ રહ્યા તેને શું કરવાનું રહે?